65 કરોડના ખર્ચે નિર્માણ પામેલ ધંધુકા ખાતે નવનિર્મિત રેલ્વે ઓવરબ્રિજનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે લોકાર્પણ કર્યું

મંત્રી ઋષિકેશ પટેલે ધંધુકા સ્થિત પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના લોકકલા સંગ્રહાલય ‘વિરાસત’ અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી મ્યુઝીયમની લીધી મુલાકાત

અમદાવાદ જિલ્લાના પ્રભારી અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ધંધુકા ખાતે નવનિર્મિત રેલ્વે ઓવરબ્રિજનું લોકાર્પણ કરાવ્યું હતું.

ધંધુકામાં 65 કરોડના ખર્ચે નિર્માણ પામેલ રેલવે ઓવરબ્રિજને ખુલ્લો મૂકતાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ડબલ એન્જિન સરકાર હમેશાં પ્રજાની સમસ્યાઓના સમાધાન માટે કાર્યરત છે.

અમદાવાદ શહેર-જિલ્લા સહિત સૌરાષ્ટ્રથી સુરત અને સુરતથી સૌરાષ્ટ્ર જતા યાત્રિકો તથા ઉદ્યોગકારો માટે આ રેલ્વે ઓવરબ્રિજ આશીર્વાદરૂપ સાબિત થશે. રેલ્વે ઓવરબ્રિજના લીધે હવે ટ્રાફિક ડાયવર્ટ થવાના કારણે, ફાટક પર જે વિલંબ કરવો પડતો હતો તેમાં મહદઅંશે રાહત મળશે તથા પ્રજાજનોના ઇંધણ, પૈસા અને સમયની બચત થશે, એમ મંત્રીએ ઉમેર્યું હતું.

વધુમાં તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે રાજ્યમાં વિકાસની અવિરત યાત્રાની શરૂઆત કરાવેલી. તેમણે ખેડૂતો, મહિલાઓ અને ગામડાના વિકાસને કેન્દ્રસ્થાને રાખીને સતત તેમના ઉત્થાન માટેના પ્રયાસો કરેલા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર વિકાસના ધ્યેયમંત્ર સાથે કામગીરી કરીને ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. પાછલા વર્ષોમાં ધંધુકા અને આસપાસના વિસ્તારોમાં ખેડૂતોને પીવાના અને સિંચાઇના પાણી, વીજળી, આરોગ્ય સેવાઓ સહિત પાકા રોડ રસ્તાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં આજે કલા સંસ્કૃતિ અને વારસાનું સુંદર રીતે જતન કરવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્ર લોકસાહિત્યકારો, કલાકારો અને સંતોની ભૂમિ રહ્યું છે ત્યારે ધંધુકામાં પણ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના સન્માનમાં હમણાં જ નવીન મ્યુઝીયમ ખુલ્લું મુકવામાં આવ્યું છે.

તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શરૂ થયેલી કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ઝુંબેશના પરિણામો આજે આપણે જોઈ રહ્યા છીએ. એ જ દિશામાં પ્રગતિ કરતાં રાજ્યમાં આજે સ્ત્રી સશકિતકરણ, કુપોષણ નાબૂદી, કન્યા કેળવણી માટે પ્રસંશનીય કામગીરી થઇ રહી છે.

મંત્રીએ વડાપ્રધાન દ્વારા પર્યાવરણ જાળવણીની મુહિમ સ્વરૂપે શરૂ કરવામાં આવેલા ‘એક પેડ માં કે નામ’ અભિયાનને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદનો પણ ઉલ્લેખ કરીને ઉપસ્થિત સૌને વર્ષ ૨૦૪૭ સુધી વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનાવવાના સંકલ્પમાં પોતાનું યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે ધારાસભ્ય કાળુભાઈ ડાભીએ પ્રાસંગિક ઉદબોધન કરતા લોકાર્પણ પામનાર નવીન રેલવે ઓવરબ્રિજ સહિત તાલુકામાં કરવામાં આવેલા વિવિધ વિકાસકાર્યો પ્રજાજનોની સુખાકારીમાં વધારો કરશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Leave a Comment